State-Level Seminar on “Nation Builder: Sardar Vallabhbhai Patel”
ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય તથા કેસીજી (KCG) ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ જન્મ શતાબ્દી નિમિત્તે ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા: સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને પ્રવચન:
પરિસંવાદની ઉદ્ઘાટન બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે. લહેરી તેમજ પૂર્વ સનદી અધિકારી અને જાણીતા વક્તા શ્રી વસંત ગઢવીએ વિશેષ ઉપસ્થિત રહી સરદાર પટેલના બહુઆયામી વ્યક્તિત્વ પર મનનીય પ્રવચનો આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યાધ્યક્ષ શ્રી રાજેન્દ્ર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી વાસુદેવભાઈ પટેલ તથા સમિતિના મંત્રી અને સંચાલક શ્રી શરદ જોશીએ ઉપસ્થિત રહી તમામને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, મહાવિદ્યાલય સમિતિના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા.
વક્તાઓની શબ્દાંજલિ:
પરિસંવાદમાં ગુજરાતના જાણીતા લેખકો અને વક્તાઓ સર્વશ્રી ગીતા માણેક, શ્રી ઉર્વીશ કોઠારી, શ્રી જય વસાવડા, ડૉ. જગદીશ ચૌધરી અને ડૉ. અંકુર દેસાઈએ સરદારના જીવન અને કાર્યોના વિવિધ પ્રસંગો વર્ણવી તેમને ભાવસભર શબ્દાંજલિ અર્પી હતી.
સહભાગીઓ અને પુસ્તક વિતરણ:
આ પરિસંવાદમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી ૨૬૦ જેટલા અધ્યાપકો, શોધકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. તમામ સહભાગીઓને ‘સુપર હીરો સરદાર’, ‘સરદારનો સાચો પડછાયો મણીબહેન’ અને ‘રાષ્ટ્ર નાયક સરદાર’ જેવા પ્રેરણાદાયી પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. વિશેષમાં, સમિતિ દ્વારા છેલ્લા ૭૫ વર્ષથી સતત પ્રકાશિત થઈ રહેલા ‘ગુર્જર રાષ્ટ્રવીણા’ અંકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સમાપન:
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યજમાન સંસ્થાના આચાર્ય ડૉ. અશોક પટેલ તેમજ પરિસંવાદના સંયોજક ડૉ. કેશર ચૌધરી, કૉલેજના અધ્યાપકશ્રીઓ, સેવકગણ અને વિદ્યાર્થી સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

















































